29/11/10

  સંબંધોના શ્વાસ ગયા ક્યાં?
  આ  હૈયાના પ્રાસ ગયા ક્યાં?

અંતર-લયથી ગુંથાયા'તા
એવા બે જણ ખાસ- ગયા ક્યાં?

આગળ પાછળ વેરાની છે
લીલા ખેતર ચાસ ગયા ક્યાં?

બે મન વચ્ચે  જોજન ઉમટ્યા
અણમૂલા સહવાસ -ગયા ક્યાં?

રાધા-કહાન બધું એક છળ છે
કહો જીવનના રાસ ગયા ક્યાં?

હતા મધુરાં અને મનોરમ
વ્હાલા એ આભાસ ગયા ક્યાં?

12/11/10

   એક દીવો ઝળહળે છે આપણામાં
   તેજ થઈને એ ભળે છે આપણામાં
   
    નામ જેનું  કોઈ આપી ના શક્યું
    કૈંક એવું સળવળે છે આપણામાં

  કહી શકો ઈછા કે કહી દો ઝંખના
  સ્વપ્ન થઇ સઘળું ફળે છે આપણામાં

 જે બધું છોડી દઈ આગળ વધ્યા
એ ફરી આવી મળે છે આપણામાં

હોય જો શ્રદ્ધા તો દીવો માનીએ
શું બીજું ક્હો પ્ર્જવળે છે આપણામાં?

28/9/10

              રોજ સમયની રેત થઈને જીવતર કેવું સરતું
              જોને...જીવતર કેવું ખરતું..!

             અડખે પડખે એકલતાનું નગર શ્વસે છે
             અજવાળાના સાપ - આ  રોમેરોમ  ડસે છે
             તરસ લઇ તરફડતું
             સુક્કા પર્ણ સમું ખડખડતું
             ખાલીપાને ઘૂંટી ઘૂંટી કોણ શ્વાસમાં ભરતું?
                        જોને જીવતર કેવું સરતું!

              પાછળ છૂટ્યાં પગલાંની વણઝાર રડે છે
              આગળ કોઈ અગમ તણો અણસાર નડે છે
              ટોળાં વચ્ચે રહેતું
              મૂંગી કૈંક કથાઓ કહેતું
              વીતેલી પળનું તે જળ આ બુંદ બુંદ થઇ ઝરતું!
                           જોને જીવતર કેવું સરતું!


        

11/7/10

'આશા'

    હજુ તમારી ભીતર મારું  સ્મરણ  હશે
    લાગણીઓનું નાનું સરખું ઝરણ હશે

    તમે હોઠને હૈયું છેક જ સીવી લીધા
    છતાં કશે તો શ્વાસ અમારે શરણ હશે

   ભલે તમારી દિશા હવે મુજથી ફંટાતી
   એ જ માર્ગ પર કશે અમારા ચરણ હશે
 
  સતત તમોને પામું એવી ઝંખા મારી
  ક્યાંક તમારું યે મન છળતા હરણ હશે!

  આમ તો થંભી ગઈ છે આ હોવાની ઘટના
  નામ જ એનું  અરે કદાચિત મરણ હશે?

2/7/10

'આહ!'

 
  પગલું રોકીને હું તો ઉભી છું કોઈ મને દેશે હોંકારો પળવારમાં....
                     કેમ કેરી જીવું હું આવા ભણકારમાં?

                       કોઈ ડાળખીમાં પાન હજુ ફૂટતા હશે?
                       કોઈ પંચમના સૂર હજુ ઘૂંટતા હશે?
                       હજુ  મારા તે આવ્યાની જોવામાં વાટ
                       એની આંગળીના વેઢાઓ ખૂટતા હશે?
  
                 એવું કંઈ નહિ કંઈ નહિ ને તોય  કેમ હજી કાળજ આ
                  કોરાતું જાય છે થડ્કારમાં?...


                         કેમ કાનમાં ગુંજે છે હજુ વહાલો અવાજ?
                        કેમ સાત સાત સૂર છતાં સૂના આ સાજ?
                        કોઈ હમણાં બોલાવશેએ ઝંખનામાં અરે
                        મુઆ આંસુ તો વરસે છે છોડી સહુ લાજ
                        
             
               કોઈ ક્યારનું ય તરછોડી ચાલ્યું ગયું છે
               મને નોધારી મેલી મઝધારમાં..............
                         

                   

29/6/10

'હૈયાવટો'

        
                લાગણી નામે અજબ ઘટના હતી
                 જાત આખી ઓગાળી દીધા પછી.

                 ઝૂરવું પર્યાય છે જીવન તણો?
                 એમણે આમ જ ત્યજી દીધા પછી!
     
                 છે  જાકારો શબ્દનો મોહતાજ ક્યાં?
                નામ ભીતરથી ભૂંસી દીધા પછી!

                  ના ચહું એને,કદી એ ના બને
                  જીવ એનામાં ઘૂંટી દીધા પછી.
                 
                   થઇ ગયું એકાંત એકલતા હવે
                  કોઈએ હૈયાવટો  દીધા પછી.

25/6/10

'બીજું શું?'

 એ જ પાછો ભીનો ભીનો સાદ-બીજું શું?
 છે ફરી આ ધોધમાર વરસાદ -બીજું શું?

 ક્યાંક કોયલ,મોરલો ને ક્યાંક તારો સૂર
 આમ ભીતરથી વરસતી યાદ- બીજું શું?

 ચાલ હું મલ્હાર પણ ગાઈ જ લઉં આજે
 ગુંજવીને કો' અનાહત નાદ-બીજું શું?

 કોણ ભીંજવી જાય છે સૌથી વધુ બોલો
 આંખનો છે આભ સાથે વાદ- બીજું શું?

 આમ અનરાધાર જીવતર પણ ભલે વરસે
 ઓગળે સઘળા પછી અવસાદ-બીજું શું?

22/6/10

એક અગત્યની જાહેરાત

          એક સપનું ખોવાયું છે

ઘેરા ગુલાબી રંગનું ને સોનેરી કિનારવાળું.

એની અંદર મેઘધનુષ ઠાંસી ઠાંસીને ભર્યાં છે

અડકો તો વાદળ જેવું મૃદુ અને મુલાયમ લાગે

ને પાસે જાવ તો કશી અણજાણી આરતનું અત્તર મહેકે.

કદ-અત્યંત ઊંચું.

ઊંડાણ-અગાધ.

વિસ્તાર-સમગ્ર વિશ્વને આવરી લે તેટલો.

એના જન્મદાતા ઝૂરી રહ્યાં છે

ક્યાંય કોઈને ય એની ભાળ મળે તો તાત્કાલિક સંપર્ક કરશો.

ઈ-મેઈલ-
હૃદય@જીવતર.કોમ

12/6/10

વિનંતી

  આવી શકે નહીં તો શબ્દો તો મોકલાવ!
  દ્રષ્ટિ ભલે મળે ના, દ્રશ્યો તો મોકલાવ!

 મારો વિરહ તને પણ સાલે જો એટલો તો
 એ વેદનાનાં કોઈ તથ્યો તો મોકલાવ!

 તારા વગર રહીને મુજમાં તને જ ભાળું
 પામી શકું તને એ સત્યો તો મોકલાવ!

 હું નીતર્યા સમયનું ખાલી ઉદાસ જળ છું
 એકલપણું ખૂટે- તું મત્સ્યો તો મોકલાવ!

 રસ્તો નથી જ જડતો કારણ નથી કશાં યે
 પગલું તો હું ભરી લઉં-લક્ષ્યો તો મોકલાવ!

6/6/10

પ્રશ્ન

વાત વાતમાં તૂટે આ તે માણસ છે કે સપનું?
આંખ ખુલે ને ખૂટે આ તે માણસ છે કે સપનું?


અંધારામાં જીવે મબલખ, અજવાળામાં જંપે
પળ પરપોટે ફૂટે આ તે માણસ છે કે સપનું?


અંદર અંદર લાગણીઓ ને ઇચ્છાઓને મારે
પછી સ્મરણને ઘૂંટે આ તે માણસ છે કે સપનું?


બંધ આંખથી એક એક ઘટનાને સૌમાં વહેંચે
(ને)ખુલ્લી આંખે લુંટે આ તે માણસ છે કે સપનું?


 
સાવ અરીસા જેવું આ તો સામે હો તે ભાળે
પૂંઠ ફરે જગ છૂટે આ તે માણસ છે કે સપનું?

23/5/10

આ તે કેવાં સગપણ ગૂંથ્યા ઘટમાં?

પાંખો વિનાના કોઈ પંખી ઉડે ને જેમ
આભાસી આભલાનાં પટમાં..............


કશું કહેવાનું નહિ ને તોય કહેવાને કાજ
હોઠ ફફડે ને જીવ મૂંગો વલખે
સાચકલું સાચકલું જીવતર જીવાય
કૈંક એવું હોવાને મન તલખે
આમ સાનભાન સંકોરી ક્યાં લગ રહેવાય
                કહો સુક્કી તે નદીઓનાં તટમાં?



તમે માંગો નહિ તોય અમે સઘળુંયે દઈશું
એ વાયદા કે ઠાલી બે વાતો?
એટલું તો સમજો કે ખુદને ભૂલીને
અમે ભવનો આ બાંધ્યો છે નાતો!
ઝૂરીઝૂરીને અમે કેટલુંક ઝુરશું
                    આ મુઠ્ઠીભર લાગણીની રટમાં ?

17/5/10

' હું '

હું ખીલું છું
હું ખરું છું
હું સહજમાં વિસ્તરું છું

હું ધરા ને આભ હું યે
હું જ જલ થલમાં ફરું છું

હું જ વાદળ હું જ વાયુ
હું જ પાણી થઇ ઝરું છું

હું જ બ્રહ્મા હું જ વિષ્ણુ
હું મહેશ્વર રૂબરૂ છું

હું સમય ને હું જ માયા
હું જ મુજને વશ કરું છું

હું જ છું જીવ, હું જ આત્મા
હું જ જન્મું -કે મરું છું?

9/5/10

અકારણ?

આ વરસે આંખ અકારણ
હો ચૈતર વૈશાખ હૃદયમાં
ને પાંપણ પર શ્રાવણ...

વાવી દીધો સ્હેજ વાતમાં
અમથો એક ઝુરાપો
ભાંગ્યુંતૂટ્યું એક હલેસું
માન્યો એ ય તરાપો

મનગમતા પગરવની ભ્રમણા
લઇ શણગાર્યું આંગણ....


વનપંખીના ટહુકા જેવું
ગીત કંઠમાં રોપ્યું
ના ઓગળવાનું મનનું
ફરમાન અજાણે લોપ્યું

ડમરી થઇ જ્યાં ધૂળ ઉડે ત્યાં
ઊજવું ક્યાંથી ફાગણ?

7/5/10

'શ્યામ લખું છું'

હવે હવાની ઉપર તારું નામ લખું છું
લાગણીઓનું આખેઆખું ગામ લખું છું

અઢળક કિસ્સા લખું તને નિષ્કારણ, પહેલા
અંતે એક જ નાનું સરખું કામ લખું છું

સુગંધભીનું આભ અહો શ્વાસોમાં ઊતરે
કશા અનાહતનો હું ભરચક જામ લખું છું

મુઠ્ઠીભર અક્ષરનો નાનો પત્ર નથી આ
કંઈ કેટલાં સ્વપ્નો ઠામે ઠામ લખું છું


ગોકુળ જેવું હૈયું લે, મેં રમતું મુક્યું
રાધા જેવી આંગળીઓથી શ્યામ લખું છું.

27/4/10

વાદલડી

એક ઝરમર ઝીણી વાદલડી કંઈ મારે આંગણ અટકી

ફૂલ ફૂલને સ્પર્શી લગરીક પાંદડીઓ પર વરસી
 હાથ જરી અડકાડું ત્યાંતો મલક મલકતી છટકી ...


અંગે અંગે ટહુકા એણે મોરપીંછના પહેર્યા
શ્રાવણીયા સાળુ કંઈ એના હળવી ભાતે લહેર્યા
 નાજુક નમણી કાય શી એણે મરોડ દઈને ઝટકી ..એક


એનો હળવો પગરવ પણ કંઈ લાગે રે રણઝણતો
આંગણ આવી ભીનું ભીનું ગીત કશું ગણગણતો
 સાવ ઝીણેરી પાયલ એને પગલે જાણે લટકી.... એક..


હોઠ ધરી મલકાટ હું એના લઉં વારણા મીઠા
વાદલડી શાં હેત હજુ કોઈ જન્મારે ના દીઠા
 લીંપી આંગણ આજ એ મારે ઉંબરિયેથી છટકી....

26/4/10

જળકમળવત્

એક આ આખા જનમમાં
આપણે તો જળકમળવત્
ઝંખનાઓના જગનમાં
આપણે તો જળકમળવત્

હોઈએ વનમાં, ભવનમાં
આપણે તો જળકમળવત્
હોમીએ હર ક્ષણ હવનમાં
આપણે તો જળકમળવત્.

ફૂંકથી ઉડીએ પવનમાં
આપણે તો જળકમળવત્
વેદનાઓના અગનમાં
આપણે તો જળકમળવત્

ઊગીએ કોઈ કવનમાં
આપણે તો જળકમળવત્
કે પછી અંતિમ શમનમાં
આપણે તો જળકમળવત્.

25/4/10

ભેટ


અહીં આથમતા સુરજને
આવજો કહી વળાવું છું
ને મોકલું છું તારી તરફ.

હું અંધકાર આવકારીશ
ત્યારે જ તો ઉઘડશે
તારે આંગણે
નવા સુરજનો ઉજાસ!

24/4/10

લાગણી

છાતીમાં કલરવ જેવું કંઈ
મળો હવે ઉત્સવ જેવું કંઈ

શ્વાસોની સરહદ પર તારા
નામ તણા પગરવ જેવું કંઈ

દ્રષ્ટિ આડે છે અંતરપટ
સગપણના ઉદભવ જેવું કંઈ?

તમે ગમો કે યાદ તમારી
અજબ કશી અવઢવ જેવું કંઈ

ચલો સુગંધી શમણાં વીણીએ
એ જ થશે વાસ્તવ જેવું કંઈ!

23/4/10

ગીત

પહેલી વસંત તણું પહેલું તે પાંદડું
મેં સાચવીને રાખ્યું છે પાસમાં
પછી એને વણી લીધું શ્વાસમાં ....

આમ તો વસંત જેવું કંઈ નહીં ને આમ વળી
અંતરમાં ઉગે ગરમાળો
પાંપણ ઝુકે ત્યાં કોક અમથું તે સાંભરે
ને જીવ બધો થાતો શરમાળો
સાથે જીવ્યાના જુગ પળ શા થઇ જાય
એવું આયખું તે ઉઘડે અજવાસમાં ...

અમથી વસંત એમ વહાલી ના લાગે
ને અમથા ના વિસરાતા ભાન
પંખીઓ એમ વળી દલડાની ડાળ પરે
અમથા કંઈ છેડે ના ગાન
જીવતર તો જુઈ તણાં ફૂલ સમું હાશ
હવે ગમતીલા કોઈના સહવાસમાં....