27/4/10

વાદલડી

એક ઝરમર ઝીણી વાદલડી કંઈ મારે આંગણ અટકી

ફૂલ ફૂલને સ્પર્શી લગરીક પાંદડીઓ પર વરસી
 હાથ જરી અડકાડું ત્યાંતો મલક મલકતી છટકી ...


અંગે અંગે ટહુકા એણે મોરપીંછના પહેર્યા
શ્રાવણીયા સાળુ કંઈ એના હળવી ભાતે લહેર્યા
 નાજુક નમણી કાય શી એણે મરોડ દઈને ઝટકી ..એક


એનો હળવો પગરવ પણ કંઈ લાગે રે રણઝણતો
આંગણ આવી ભીનું ભીનું ગીત કશું ગણગણતો
 સાવ ઝીણેરી પાયલ એને પગલે જાણે લટકી.... એક..


હોઠ ધરી મલકાટ હું એના લઉં વારણા મીઠા
વાદલડી શાં હેત હજુ કોઈ જન્મારે ના દીઠા
 લીંપી આંગણ આજ એ મારે ઉંબરિયેથી છટકી....

26/4/10

જળકમળવત્

એક આ આખા જનમમાં
આપણે તો જળકમળવત્
ઝંખનાઓના જગનમાં
આપણે તો જળકમળવત્

હોઈએ વનમાં, ભવનમાં
આપણે તો જળકમળવત્
હોમીએ હર ક્ષણ હવનમાં
આપણે તો જળકમળવત્.

ફૂંકથી ઉડીએ પવનમાં
આપણે તો જળકમળવત્
વેદનાઓના અગનમાં
આપણે તો જળકમળવત્

ઊગીએ કોઈ કવનમાં
આપણે તો જળકમળવત્
કે પછી અંતિમ શમનમાં
આપણે તો જળકમળવત્.

25/4/10

ભેટ


અહીં આથમતા સુરજને
આવજો કહી વળાવું છું
ને મોકલું છું તારી તરફ.

હું અંધકાર આવકારીશ
ત્યારે જ તો ઉઘડશે
તારે આંગણે
નવા સુરજનો ઉજાસ!

24/4/10

લાગણી

છાતીમાં કલરવ જેવું કંઈ
મળો હવે ઉત્સવ જેવું કંઈ

શ્વાસોની સરહદ પર તારા
નામ તણા પગરવ જેવું કંઈ

દ્રષ્ટિ આડે છે અંતરપટ
સગપણના ઉદભવ જેવું કંઈ?

તમે ગમો કે યાદ તમારી
અજબ કશી અવઢવ જેવું કંઈ

ચલો સુગંધી શમણાં વીણીએ
એ જ થશે વાસ્તવ જેવું કંઈ!

23/4/10

ગીત

પહેલી વસંત તણું પહેલું તે પાંદડું
મેં સાચવીને રાખ્યું છે પાસમાં
પછી એને વણી લીધું શ્વાસમાં ....

આમ તો વસંત જેવું કંઈ નહીં ને આમ વળી
અંતરમાં ઉગે ગરમાળો
પાંપણ ઝુકે ત્યાં કોક અમથું તે સાંભરે
ને જીવ બધો થાતો શરમાળો
સાથે જીવ્યાના જુગ પળ શા થઇ જાય
એવું આયખું તે ઉઘડે અજવાસમાં ...

અમથી વસંત એમ વહાલી ના લાગે
ને અમથા ના વિસરાતા ભાન
પંખીઓ એમ વળી દલડાની ડાળ પરે
અમથા કંઈ છેડે ના ગાન
જીવતર તો જુઈ તણાં ફૂલ સમું હાશ
હવે ગમતીલા કોઈના સહવાસમાં....