5/12/11

  કે વાંસળી જેવું કશું વાગ્યું હશે
કારણ વિના કંઈ આયખું જાગ્યું હશે?

ચોતરફ ઉમટ્યા તમસને વિંધતું
 કાળજું કોની પૂંઠે ભાગ્યું  હશે?

રોમરોમે રણઝણે રોમાંચ થઇ
સૂરને પણ કંઈ નવું લાગ્યું હશે!

શ્વાસ પણ આ ચાંદની શા ઝલમલે
ચંદ્રમા એ ઘર અહીં  માગ્યું હશે?

કોઈ પગરવ જેમ ભીતર ઊતરે
એમણે એકાંતને  તાગ્યું  હશે?





 



21/11/11

સ્મૃતિ


ઉઘડી મારી ભીતર આજે
  બચપણની એક શેરી
  ભીતર બાહર ધુમ્મસ છાયા સ્મરણે મુજને ઘેરી...

નાનો અમથો સાદ બનીને ઘૂમી વળી તનમનમાં
બાપુની આંગળીએથી કંઈ ડગ ભરતી જીવનના
ધૂળ ઢગલીમાં પગલી પડતી
         ઝાંઝર ઝીણાં પહેરી...

ગાંસડીઓમાં ભરી, ફેરીયા રોજ બતાવે સપનાં
કહેતા દાદા-કુંવરી મારી,આ સઘળાં શાં ખપના?
દાદીએ જ્યાં જીવતરની કંઈ રમ્ય કથાઓ વેરી... 

દિ' આખો કંઈ સાચું ખોટું શીખવા ભૂલવા દોડું
નીંદર ખોળે મા ને હાથે રેશમ રજાઈ ઓઢું
આજ ફરીથી શમણે આવી
                                  પાદરની એ દે'રી ...

15/3/11

 હૃદય પર  ઉઝરડા ઉઝરડા પડે ને
આ જીવતર બધું લોહીભીનું મળે હોં!

 સતત કૈક નડતું રહે સાલું અંદર 
પછી જીવ આખો ને આખો કળે,હોં!

જખમ જ્યાં ભીતરના રુઝાતા નથીત્યાં 
 ઉપરથી  ત્વચાના  પડો  યે બળે, હોં!

 કદી  કોઈનું  યે નથી  કોઈ  હોતું
છતાં હોય કો' એ જ મનને છળે,હોં! 

ભલે એને સપનું ગણીને જીવો છો 
જો શ્રદ્ધા કહો તો કદી તો ફળે,હોં! 



13/1/11

 મારા ખાલીખમ આભમાં તું રંગ જરી લાવ
  બીજું કંઈ નહી તો આજ તું પતંગ બની આવ......

આમ ખુલ્લું ઉજાસભર્યું આભલું છે મારું 
    ને વાયરે વીંટાઈ વહે વાદળ 
ચિઠ્ઠીની જેમ જરા મોકલી તું દે ને                     
 અહીં રંગભર્યા મનગમતા કાગળ 
તારા આકાશ મહી ઉડે રંગોળી 
થોડી મારા યે આભે છંટાવ...............

 તને લાગે જો આઘેરું મારું આ આભ
  તો  તું લંબાવી દે ને સ્નેહ દોર
સૂના મુજ આભ તણાં સૂમસામ આંગણમાં
  રેલાવી દે ને કલશોર!
ઝૂરતા આ જીવને તું દઈ જાને  ઢીલ,
 આમ નાહકના પેચ ના લડાવ.....

2/1/11

  ચલ હજુ પણ વાત ને આગળ વધારી જોઈએ 
  ચલ હજુ પણ એકમેકમાં 'હું' ઓગાળી જોઈએ 

  મેં મુજને ને તુજને તેં પણ ના છોડ્યાના ડંખ ભૂલી   
  એકબીજાના લયમાં ચલને ખુદને ઢાળી જોઈએ! 

અણગમતી કંઈ કંઈ ઘટનાઓ,વાતો, સઘળું નેવે મૂકી 
મનગમતા કો  પંથે ચલને પગને વાળી જોઈએ.

નાહક મનને આવું કનડી શું પામીશું એ તો કહી  દે
મનને કનડે એવું બધ્ધું ચલને ટાળી જોઈએ!.

વરસો વિત્યાં, હજુ વીતશે અળગા અળગા ઝૂરી ઝૂરી 
રહી એટલી પળો ચાલ પ્રિય હજુ ઉજાળી જોઈએ!