14/12/12



 શ્વાસના પોલાણમાં શબ્દો ભરી લઉં આખરે
 હું  ગઝલ થઈને હયાતીને વરી  લઉં આખરે

હોય છો  કંઈ  કેટલાં કારણ ડૂબેલી  નાવને
લઇ તરાપો હું ય દરિયાઓ તરી લઉં આખરે

આથમેલી પળ બિડાઈ જાય છો ઈતિહાસ થઇ
એ  પહેલાં  કોકને  ચરણે  ધરી  લઉં આખરે

રોજ આ જીવતર જીવાતું ટેવવશ થઈને ભલે
જીવતે જીવત ચલો અમથું મરી લઉં આખરે

હું જ જ્વાળા હું જ ભડકો હું જ દાવાનળ ભલે
બે ચાર પળ શાતા મળે-હું પણ ઠરી લઉં આખરે


15/10/12


એણે હથેળી ધરી પૂછ્યું
'કચૂકા ખાઇશ?'
ને હોઠ અને આંખોની  સાથે સાથે
હસી ઊઠયું મારું મન ..
 એક નાનકડી  રમતિયાળ
બાળકી થઈને
હું પાછી મને મળી!

12/9/12


    એણે કૂંપળ ફૂટયાની વાત કહી 'તી
 એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ 'તી?

 એવો વરસાદ કાંઈ ઝીંકાયો આંગણે કે
 જીવતરિયું  આખું તરબોળ
 આભલાએ મુજને સંકોરી શું સોડમાં
 મેં અલબેલા કીધા અંઘોળ

 પછી વાયરે વાત્યું ય કૈંક વહી'તી ....
 એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ'તી?

 વાદળ વરસે કે મારી વરસે છે ઝંખાઓ
  ધોધમાર  વરસે  છે અવસર
 પાલવડે ઝીલું  છું લીલ્લેરો  લ્હાવ
 જાણે અનહદના  ઉભરાતાં  સરવર

 જરી  શમણાંની  હેઠ  ઉભી  રહી'તી
લે એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ'તી?

     

29/8/12



  
   હું લાવીશ પાંચીકા મારા
તું લઇ આવે લખોટીઓ ને
 ભમ્મરડાની દોર ખેંચતા
  ફરી રમીશું  બચપણ બચપણ!

તારી પાસે તારા સપનાં
   મારી  પાસે મારાં
એમ જુઓ તો સાવ જુદાં ને
   આમ વળી સહિયારાં..
અડકો દડકો આટા પાટા 
સંતાકૂકડી સતોડીયું ને
  ઘરઘત્તાની  ગલીકુંચીમાં ફરી ગુંથીશું સગપણ સગપણ!

કિટ્ટા બુચ્ચા, દાવની અંચઈ
   ઝઘડા અને રીસાવું 
હેતને ઢાળે ઢળતાં ઢળતાં 
    વળી એક થઇ ગાવું 
છોડી દઈ આ દમામ ખોટાં ધૂળ ભરેલી શેરી વચ્ચે 
 અલી ચાલને ખુલ્લે પગલે ફરી ઘૂમીશું  રણઝણ રણઝણ!


23/8/12

  કદીક  મારા સરનામે સૈ આવે તારો કાગળ
 નહીંતર મારે આંગણ વરસે તું પોતે થઇ વાદળ...

 ભર વરસાદે ઉભે મારગ ભીંજાવાની રમત આપણે કેવી રમતાં?
વળી કદી તો ભર બપ્પોરે જગ આખાની કરી ગોઠડી ગામ ગજવતાં!
 થતું મને કે
 હજી ય એવા દિવસો આવે
  લઈ સ્મરણોનું ઝાકળ.....


 એકબીજાનાં સપનાંઓને સંકોરીને સાથે વહેતાં, યાદ તો છે ને?
કશાક અંગત અંધારાં પણ વહેંચીવહેંચી સાથે સહેતાં યાદ તો છે ને?
જરીક થંભે 
સમય, કદી,તો દઉં ઓલવી
દૂરતાનો દાવાનળ......

21/8/12

 હા અચાનક મૌન થઇ ગઈ વાંસળી
 શ્વાસ લઇ કોના ઢળી ગઈ વાંસળી?

 શબ્દથી    શણગારતી'તી   સૂર  જે
સાવ કાં સૂનમૂન થઇ ગઈ વાંસળી?

  લાગણી જ્યાં  ફૂંકથી  સરતી  હતી
 એ કંઠનો ડૂમો બની ગઈ વાંસળી?

 આંગળીઓ અંધ- શોધે  છેદને
 સૂર શું સાતે ગળી ગઈ વાંસળી?

બ્રહ્મની  માયાનું  કેવળ  રૂપ  એ
લો બ્રહ્મમાં પાછી ભળી ગઈ વાંસળી!






13/2/12


            *****
 કંઈ કેટલું ય માંગ્યું ઈશ્વર કને
 ને એણે આપ્યું ય.
 ને બીજું પણ કેટલું ય..માંગ્યા વગર. 
  આજે ય  કૈંક જોઈએ છે
પણ માંગવું નથી ...
જોવું છે એ માંગ્યા વગર આપે છે કે નહીં!
મારા સ્વને, સત્વને અને ગૌરવને જાળવીને
હું હાથ લંબાવું એ પહેલા જ એ આપે 
એમાં મારી જ નહીં
હવે તો એની પણ શોભા!
માગણ નથી થવું મારે -
મારે તો પામવું છે.
એને સમજાતું તો હશે ને કે 
ઈશ્વર એ છે-હું નહીં!

3/1/12


 કૈંક ક્ષણ ટોળે વળી ગઈ બાંકડે
વારતાઓ કંઈ મળી ગઈ બાંકડે

 સાવ  ધૂંધળા  કાચથી  દેખ્યા  કરે
 સાંજ શું પાછી ઢળી ગઈ બાંકડે?

 સાંભરણ  પાછા થયા જીવતા જરી
ગઈકાલ જે કંઈ પણ ગળી ગઇ બાંકડે

સૌ  અનિશ્ચિત આવતી  કાલો  હવે
લ્યો 'આજ'માં આવી ભળી ગઇ બાંકડે

મૌન રહી કહેવું જ શું એની ફિકર-
રે સાવ અણધારી ટળી ગઇ બાંકડે

આથમ્યા અજવાસની અંતિમ પળે
આ જીંદગી પાછી મળી ગઇ બાંકડે!