14/12/12 શ્વાસના પોલાણમાં શબ્દો ભરી લઉં આખરે
 હું  ગઝલ થઈને હયાતીને વરી  લઉં આખરે

હોય છો  કંઈ  કેટલાં કારણ ડૂબેલી  નાવને
લઇ તરાપો હું ય દરિયાઓ તરી લઉં આખરે

આથમેલી પળ બિડાઈ જાય છો ઈતિહાસ થઇ
એ  પહેલાં  કોકને  ચરણે  ધરી  લઉં આખરે

રોજ આ જીવતર જીવાતું ટેવવશ થઈને ભલે
જીવતે જીવત ચલો અમથું મરી લઉં આખરે

હું જ જ્વાળા હું જ ભડકો હું જ દાવાનળ ભલે
બે ચાર પળ શાતા મળે-હું પણ ઠરી લઉં આખરે