25/1/13



એક  પંખી ડાળથી  ઊડી ગયું તો શું  થયું?
કોક  માયાજાળથી  છૂટી ગયું તો શું  થયું?

એ ય શું સમજી ગયું બંધન તણી છલના બધી?
કે બધું  અંજળ સહજ ખૂટી ગયું તો શું  થયું?

ઝાડ સાથે, ડાળ સાથે જીવની એ નાળથી
આટલું  તાણ્યા પછી તૂટી ગયું તો શું થયું?

પોતાપણાનું  છળ વધુ જીરવી શક્યું ના એટલે
એક  પરપોટા સમું  ફૂટી ગયું તો શું  થયું?

કોઈને ક્યાંથી ખબર જીરવી જવું શું ચીજ છે
આ  સનાતન સત્ય એ ઘૂંટી ગયું તો શું થયું?









17/1/13



 લ્યો ફરી પાનખર આવી
વાસંતી રંગોને દીધા સાવ અરે અટકાવી!

 સપનાઘેરી આંખે આંગણ અટક્યું પંખી ટોળું
હતું લીલું એ ઉપવન એને હવે લાગતું ડહોળું!
ટહુકાના પડઘા લઇ ક્હો'તો નવી તરજ કઈ ગાવી?

સાવ અચાનક વૃક્ષો સઘળાં સૂનકારમાં ખૂંપ્યા
અજવાળાના સૂર સહુએ ઝાંખપ જળમાં ડૂબ્યાં
 સુક્કા પર્ણો ખરતા ધરતી દ્વાર સૂના ખખડાવી

હજુ હૃદયમાં લીલાંછમ કંઈ પડછાયાઓ ઝૂરે
કેમ કરી તરશું ટાઢા દિવસોના સામા પૂરે !
તસવીરોના રંગે ઘરની ભીંત હવે છલકાવી!












      

5/1/13


એક દિવસ-
 ગોરજટાણું.
ધૂળ કાંકરાથી ભરેલો ઉંચો નીચો રસ્તો
આભમાં ઓસરતા સૂરજની રૂપાળી લાલિમા
છૂટાછવાયા વૃક્ષોમાંથી વહી આવતી શાંત હવા
સામે મંદિરમાં સાંધ્ય આરતીનો ઘંટારવ
ઈશ્વરના કૃપા પ્રસાદ જેવી ધૂપની સુવાસ
સહજતાથી પણ મજબૂતીથી
એકમેકમાં ભીડાયેલી બે હથેળીઓ
અને
શ્રદ્ધા અને મક્કમતાથી
સાથે પડતાં ઉપડતાં પગલાં -
( જાણે સપ્તપદીનાં )

આજે-
ઘેરી રાત
રસ્તો સુમસામ
સૂરજ ડૂબી ગયો
હવા થંભી ગઈ
આરતીના ઘંટારવ શમી ગયા
ધૂપની સુવાસ ઉડી ગઈ
અટકી ગયા છે પગલાં અને
હથેળી છૂટી પડીને ખોવાઈ ગઈ છે ક્યાંક.

પણ

પેલું મંદિર હજુ ઊભું છે એમ જ-
એમાં એક  અરજનો દીવો પ્રગટે છે
ખોવાયેલાં પગલાં અને વિખુટી પડેલી હથેળી
  ફરી  પાછી મળે !





14/12/12



 શ્વાસના પોલાણમાં શબ્દો ભરી લઉં આખરે
 હું  ગઝલ થઈને હયાતીને વરી  લઉં આખરે

હોય છો  કંઈ  કેટલાં કારણ ડૂબેલી  નાવને
લઇ તરાપો હું ય દરિયાઓ તરી લઉં આખરે

આથમેલી પળ બિડાઈ જાય છો ઈતિહાસ થઇ
એ  પહેલાં  કોકને  ચરણે  ધરી  લઉં આખરે

રોજ આ જીવતર જીવાતું ટેવવશ થઈને ભલે
જીવતે જીવત ચલો અમથું મરી લઉં આખરે

હું જ જ્વાળા હું જ ભડકો હું જ દાવાનળ ભલે
બે ચાર પળ શાતા મળે-હું પણ ઠરી લઉં આખરે


15/10/12


એણે હથેળી ધરી પૂછ્યું
'કચૂકા ખાઇશ?'
ને હોઠ અને આંખોની  સાથે સાથે
હસી ઊઠયું મારું મન ..
 એક નાનકડી  રમતિયાળ
બાળકી થઈને
હું પાછી મને મળી!

12/9/12


    એણે કૂંપળ ફૂટયાની વાત કહી 'તી
 એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ 'તી?

 એવો વરસાદ કાંઈ ઝીંકાયો આંગણે કે
 જીવતરિયું  આખું તરબોળ
 આભલાએ મુજને સંકોરી શું સોડમાં
 મેં અલબેલા કીધા અંઘોળ

 પછી વાયરે વાત્યું ય કૈંક વહી'તી ....
 એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ'તી?

 વાદળ વરસે કે મારી વરસે છે ઝંખાઓ
  ધોધમાર  વરસે  છે અવસર
 પાલવડે ઝીલું  છું લીલ્લેરો  લ્હાવ
 જાણે અનહદના  ઉભરાતાં  સરવર

 જરી  શમણાંની  હેઠ  ઉભી  રહી'તી
લે એમ કાંઈ અમથી હું લીલીછમ્મ થઇ'તી?

     

29/8/12



  
   હું લાવીશ પાંચીકા મારા
તું લઇ આવે લખોટીઓ ને
 ભમ્મરડાની દોર ખેંચતા
  ફરી રમીશું  બચપણ બચપણ!

તારી પાસે તારા સપનાં
   મારી  પાસે મારાં
એમ જુઓ તો સાવ જુદાં ને
   આમ વળી સહિયારાં..
અડકો દડકો આટા પાટા 
સંતાકૂકડી સતોડીયું ને
  ઘરઘત્તાની  ગલીકુંચીમાં ફરી ગુંથીશું સગપણ સગપણ!

કિટ્ટા બુચ્ચા, દાવની અંચઈ
   ઝઘડા અને રીસાવું 
હેતને ઢાળે ઢળતાં ઢળતાં 
    વળી એક થઇ ગાવું 
છોડી દઈ આ દમામ ખોટાં ધૂળ ભરેલી શેરી વચ્ચે 
 અલી ચાલને ખુલ્લે પગલે ફરી ઘૂમીશું  રણઝણ રણઝણ!


23/8/12

  કદીક  મારા સરનામે સૈ આવે તારો કાગળ
 નહીંતર મારે આંગણ વરસે તું પોતે થઇ વાદળ...

 ભર વરસાદે ઉભે મારગ ભીંજાવાની રમત આપણે કેવી રમતાં?
વળી કદી તો ભર બપ્પોરે જગ આખાની કરી ગોઠડી ગામ ગજવતાં!
 થતું મને કે
 હજી ય એવા દિવસો આવે
  લઈ સ્મરણોનું ઝાકળ.....


 એકબીજાનાં સપનાંઓને સંકોરીને સાથે વહેતાં, યાદ તો છે ને?
કશાક અંગત અંધારાં પણ વહેંચીવહેંચી સાથે સહેતાં યાદ તો છે ને?
જરીક થંભે 
સમય, કદી,તો દઉં ઓલવી
દૂરતાનો દાવાનળ......

21/8/12

 હા અચાનક મૌન થઇ ગઈ વાંસળી
 શ્વાસ લઇ કોના ઢળી ગઈ વાંસળી?

 શબ્દથી    શણગારતી'તી   સૂર  જે
સાવ કાં સૂનમૂન થઇ ગઈ વાંસળી?

  લાગણી જ્યાં  ફૂંકથી  સરતી  હતી
 એ કંઠનો ડૂમો બની ગઈ વાંસળી?

 આંગળીઓ અંધ- શોધે  છેદને
 સૂર શું સાતે ગળી ગઈ વાંસળી?

બ્રહ્મની  માયાનું  કેવળ  રૂપ  એ
લો બ્રહ્મમાં પાછી ભળી ગઈ વાંસળી!






13/2/12


            *****
 કંઈ કેટલું ય માંગ્યું ઈશ્વર કને
 ને એણે આપ્યું ય.
 ને બીજું પણ કેટલું ય..માંગ્યા વગર. 
  આજે ય  કૈંક જોઈએ છે
પણ માંગવું નથી ...
જોવું છે એ માંગ્યા વગર આપે છે કે નહીં!
મારા સ્વને, સત્વને અને ગૌરવને જાળવીને
હું હાથ લંબાવું એ પહેલા જ એ આપે 
એમાં મારી જ નહીં
હવે તો એની પણ શોભા!
માગણ નથી થવું મારે -
મારે તો પામવું છે.
એને સમજાતું તો હશે ને કે 
ઈશ્વર એ છે-હું નહીં!

3/1/12


 કૈંક ક્ષણ ટોળે વળી ગઈ બાંકડે
વારતાઓ કંઈ મળી ગઈ બાંકડે

 સાવ  ધૂંધળા  કાચથી  દેખ્યા  કરે
 સાંજ શું પાછી ઢળી ગઈ બાંકડે?

 સાંભરણ  પાછા થયા જીવતા જરી
ગઈકાલ જે કંઈ પણ ગળી ગઇ બાંકડે

સૌ  અનિશ્ચિત આવતી  કાલો  હવે
લ્યો 'આજ'માં આવી ભળી ગઇ બાંકડે

મૌન રહી કહેવું જ શું એની ફિકર-
રે સાવ અણધારી ટળી ગઇ બાંકડે

આથમ્યા અજવાસની અંતિમ પળે
આ જીંદગી પાછી મળી ગઇ બાંકડે!


5/12/11

  કે વાંસળી જેવું કશું વાગ્યું હશે
કારણ વિના કંઈ આયખું જાગ્યું હશે?

ચોતરફ ઉમટ્યા તમસને વિંધતું
 કાળજું કોની પૂંઠે ભાગ્યું  હશે?

રોમરોમે રણઝણે રોમાંચ થઇ
સૂરને પણ કંઈ નવું લાગ્યું હશે!

શ્વાસ પણ આ ચાંદની શા ઝલમલે
ચંદ્રમા એ ઘર અહીં  માગ્યું હશે?

કોઈ પગરવ જેમ ભીતર ઊતરે
એમણે એકાંતને  તાગ્યું  હશે?





 



21/11/11

સ્મૃતિ


ઉઘડી મારી ભીતર આજે
  બચપણની એક શેરી
  ભીતર બાહર ધુમ્મસ છાયા સ્મરણે મુજને ઘેરી...

નાનો અમથો સાદ બનીને ઘૂમી વળી તનમનમાં
બાપુની આંગળીએથી કંઈ ડગ ભરતી જીવનના
ધૂળ ઢગલીમાં પગલી પડતી
         ઝાંઝર ઝીણાં પહેરી...

ગાંસડીઓમાં ભરી, ફેરીયા રોજ બતાવે સપનાં
કહેતા દાદા-કુંવરી મારી,આ સઘળાં શાં ખપના?
દાદીએ જ્યાં જીવતરની કંઈ રમ્ય કથાઓ વેરી... 

દિ' આખો કંઈ સાચું ખોટું શીખવા ભૂલવા દોડું
નીંદર ખોળે મા ને હાથે રેશમ રજાઈ ઓઢું
આજ ફરીથી શમણે આવી
                                  પાદરની એ દે'રી ...

15/3/11

 હૃદય પર  ઉઝરડા ઉઝરડા પડે ને
આ જીવતર બધું લોહીભીનું મળે હોં!

 સતત કૈક નડતું રહે સાલું અંદર 
પછી જીવ આખો ને આખો કળે,હોં!

જખમ જ્યાં ભીતરના રુઝાતા નથીત્યાં 
 ઉપરથી  ત્વચાના  પડો  યે બળે, હોં!

 કદી  કોઈનું  યે નથી  કોઈ  હોતું
છતાં હોય કો' એ જ મનને છળે,હોં! 

ભલે એને સપનું ગણીને જીવો છો 
જો શ્રદ્ધા કહો તો કદી તો ફળે,હોં! 



13/1/11

 મારા ખાલીખમ આભમાં તું રંગ જરી લાવ
  બીજું કંઈ નહી તો આજ તું પતંગ બની આવ......

આમ ખુલ્લું ઉજાસભર્યું આભલું છે મારું 
    ને વાયરે વીંટાઈ વહે વાદળ 
ચિઠ્ઠીની જેમ જરા મોકલી તું દે ને                     
 અહીં રંગભર્યા મનગમતા કાગળ 
તારા આકાશ મહી ઉડે રંગોળી 
થોડી મારા યે આભે છંટાવ...............

 તને લાગે જો આઘેરું મારું આ આભ
  તો  તું લંબાવી દે ને સ્નેહ દોર
સૂના મુજ આભ તણાં સૂમસામ આંગણમાં
  રેલાવી દે ને કલશોર!
ઝૂરતા આ જીવને તું દઈ જાને  ઢીલ,
 આમ નાહકના પેચ ના લડાવ.....

2/1/11

  ચલ હજુ પણ વાત ને આગળ વધારી જોઈએ 
  ચલ હજુ પણ એકમેકમાં 'હું' ઓગાળી જોઈએ 

  મેં મુજને ને તુજને તેં પણ ના છોડ્યાના ડંખ ભૂલી   
  એકબીજાના લયમાં ચલને ખુદને ઢાળી જોઈએ! 

અણગમતી કંઈ કંઈ ઘટનાઓ,વાતો, સઘળું નેવે મૂકી 
મનગમતા કો  પંથે ચલને પગને વાળી જોઈએ.

નાહક મનને આવું કનડી શું પામીશું એ તો કહી  દે
મનને કનડે એવું બધ્ધું ચલને ટાળી જોઈએ!.

વરસો વિત્યાં, હજુ વીતશે અળગા અળગા ઝૂરી ઝૂરી 
રહી એટલી પળો ચાલ પ્રિય હજુ ઉજાળી જોઈએ!


29/11/10

  સંબંધોના શ્વાસ ગયા ક્યાં?
  આ  હૈયાના પ્રાસ ગયા ક્યાં?

અંતર-લયથી ગુંથાયા'તા
એવા બે જણ ખાસ- ગયા ક્યાં?

આગળ પાછળ વેરાની છે
લીલા ખેતર ચાસ ગયા ક્યાં?

બે મન વચ્ચે  જોજન ઉમટ્યા
અણમૂલા સહવાસ -ગયા ક્યાં?

રાધા-કહાન બધું એક છળ છે
કહો જીવનના રાસ ગયા ક્યાં?

હતા મધુરાં અને મનોરમ
વ્હાલા એ આભાસ ગયા ક્યાં?

12/11/10

   એક દીવો ઝળહળે છે આપણામાં
   તેજ થઈને એ ભળે છે આપણામાં
   
    નામ જેનું  કોઈ આપી ના શક્યું
    કૈંક એવું સળવળે છે આપણામાં

  કહી શકો ઈછા કે કહી દો ઝંખના
  સ્વપ્ન થઇ સઘળું ફળે છે આપણામાં

 જે બધું છોડી દઈ આગળ વધ્યા
એ ફરી આવી મળે છે આપણામાં

હોય જો શ્રદ્ધા તો દીવો માનીએ
શું બીજું ક્હો પ્ર્જવળે છે આપણામાં?

28/9/10

              રોજ સમયની રેત થઈને જીવતર કેવું સરતું
              જોને...જીવતર કેવું ખરતું..!

             અડખે પડખે એકલતાનું નગર શ્વસે છે
             અજવાળાના સાપ - આ  રોમેરોમ  ડસે છે
             તરસ લઇ તરફડતું
             સુક્કા પર્ણ સમું ખડખડતું
             ખાલીપાને ઘૂંટી ઘૂંટી કોણ શ્વાસમાં ભરતું?
                        જોને જીવતર કેવું સરતું!

              પાછળ છૂટ્યાં પગલાંની વણઝાર રડે છે
              આગળ કોઈ અગમ તણો અણસાર નડે છે
              ટોળાં વચ્ચે રહેતું
              મૂંગી કૈંક કથાઓ કહેતું
              વીતેલી પળનું તે જળ આ બુંદ બુંદ થઇ ઝરતું!
                           જોને જીવતર કેવું સરતું!