મારા ખાલીખમ આભમાં તું રંગ જરી લાવ
બીજું કંઈ નહી તો આજ તું પતંગ બની આવ......
આમ ખુલ્લું ઉજાસભર્યું આભલું છે મારું
ને વાયરે વીંટાઈ વહે વાદળ
ચિઠ્ઠીની જેમ જરા મોકલી તું દે ને
અહીં રંગભર્યા મનગમતા કાગળ
તારા આકાશ મહી ઉડે રંગોળી
થોડી મારા યે આભે છંટાવ...............
તને લાગે જો આઘેરું મારું આ આભ
તો તું લંબાવી દે ને સ્નેહ દોર
સૂના મુજ આભ તણાં સૂમસામ આંગણમાં
રેલાવી દે ને કલશોર!
ઝૂરતા આ જીવને તું દઈ જાને ઢીલ,
આમ નાહકના પેચ ના લડાવ.....