કૈંક ક્ષણ ટોળે વળી ગઈ બાંકડે
વારતાઓ કંઈ મળી ગઈ બાંકડે
સાવ ધૂંધળા કાચથી દેખ્યા કરે
સાંજ શું પાછી ઢળી ગઈ બાંકડે?
સાંભરણ પાછા થયા જીવતા જરી
ગઈકાલ જે કંઈ પણ ગળી ગઇ બાંકડે
સૌ અનિશ્ચિત આવતી કાલો હવે
લ્યો 'આજ'માં આવી ભળી ગઇ બાંકડે
મૌન રહી કહેવું જ શું એની ફિકર-
રે સાવ અણધારી ટળી ગઇ બાંકડે
આથમ્યા અજવાસની અંતિમ પળે
આ જીંદગી પાછી મળી ગઇ બાંકડે!