હું લાવીશ પાંચીકા મારા
તું લઇ આવે લખોટીઓ ને
ભમ્મરડાની દોર ખેંચતા
ફરી રમીશું બચપણ બચપણ!
તું લઇ આવે લખોટીઓ ને
ભમ્મરડાની દોર ખેંચતા
ફરી રમીશું બચપણ બચપણ!
તારી પાસે તારા સપનાં
મારી પાસે મારાં
એમ જુઓ તો સાવ જુદાં ને
આમ વળી સહિયારાં..
અડકો દડકો આટા પાટા
સંતાકૂકડી સતોડીયું ને
ઘરઘત્તાની ગલીકુંચીમાં ફરી ગુંથીશું સગપણ સગપણ!
કિટ્ટા બુચ્ચા, દાવની અંચઈ
ઝઘડા અને રીસાવું
હેતને ઢાળે ઢળતાં ઢળતાં
વળી એક થઇ ગાવું
છોડી દઈ આ દમામ ખોટાં ધૂળ ભરેલી શેરી વચ્ચે
અલી ચાલને ખુલ્લે પગલે ફરી ઘૂમીશું રણઝણ રણઝણ!