12/2/13
25/1/13
એક પંખી ડાળથી ઊડી ગયું તો શું થયું?
કોક માયાજાળથી છૂટી ગયું તો શું થયું?
એ ય શું સમજી ગયું બંધન તણી છલના બધી?
કે બધું અંજળ સહજ ખૂટી ગયું તો શું થયું?
ઝાડ સાથે, ડાળ સાથે જીવની એ નાળથી
આટલું તાણ્યા પછી તૂટી ગયું તો શું થયું?
પોતાપણાનું છળ વધુ જીરવી શક્યું ના એટલે
એક પરપોટા સમું ફૂટી ગયું તો શું થયું?
કોઈને ક્યાંથી ખબર જીરવી જવું શું ચીજ છે
આ સનાતન સત્ય એ ઘૂંટી ગયું તો શું થયું?
17/1/13
લ્યો ફરી પાનખર આવી
વાસંતી રંગોને દીધા સાવ અરે અટકાવી!
સપનાઘેરી આંખે આંગણ અટક્યું પંખી ટોળું
હતું લીલું એ ઉપવન એને હવે લાગતું ડહોળું!
ટહુકાના પડઘા લઇ ક્હો'તો નવી તરજ કઈ ગાવી?
સાવ અચાનક વૃક્ષો સઘળાં સૂનકારમાં ખૂંપ્યા
અજવાળાના સૂર સહુએ ઝાંખપ જળમાં ડૂબ્યાં
સુક્કા પર્ણો ખરતા ધરતી દ્વાર સૂના ખખડાવી
હજુ હૃદયમાં લીલાંછમ કંઈ પડછાયાઓ ઝૂરે
કેમ કરી તરશું ટાઢા દિવસોના સામા પૂરે !
તસવીરોના રંગે ઘરની ભીંત હવે છલકાવી!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)