27/4/10

વાદલડી

એક ઝરમર ઝીણી વાદલડી કંઈ મારે આંગણ અટકી

ફૂલ ફૂલને સ્પર્શી લગરીક પાંદડીઓ પર વરસી
 હાથ જરી અડકાડું ત્યાંતો મલક મલકતી છટકી ...


અંગે અંગે ટહુકા એણે મોરપીંછના પહેર્યા
શ્રાવણીયા સાળુ કંઈ એના હળવી ભાતે લહેર્યા
 નાજુક નમણી કાય શી એણે મરોડ દઈને ઝટકી ..એક


એનો હળવો પગરવ પણ કંઈ લાગે રે રણઝણતો
આંગણ આવી ભીનું ભીનું ગીત કશું ગણગણતો
 સાવ ઝીણેરી પાયલ એને પગલે જાણે લટકી.... એક..


હોઠ ધરી મલકાટ હું એના લઉં વારણા મીઠા
વાદલડી શાં હેત હજુ કોઈ જન્મારે ના દીઠા
 લીંપી આંગણ આજ એ મારે ઉંબરિયેથી છટકી....

1 ટિપ્પણી:

  1. નંદિતાઃ ગીત ગમ્યું. એનું ગુણગુણ ગુંજન સતત ચાલતું હશે એ વિચાર પણ ગમ્યો. ... મામા

    જવાબ આપોકાઢી નાખો