23/5/10

આ તે કેવાં સગપણ ગૂંથ્યા ઘટમાં?

પાંખો વિનાના કોઈ પંખી ઉડે ને જેમ
આભાસી આભલાનાં પટમાં..............


કશું કહેવાનું નહિ ને તોય કહેવાને કાજ
હોઠ ફફડે ને જીવ મૂંગો વલખે
સાચકલું સાચકલું જીવતર જીવાય
કૈંક એવું હોવાને મન તલખે
આમ સાનભાન સંકોરી ક્યાં લગ રહેવાય
                કહો સુક્કી તે નદીઓનાં તટમાં?



તમે માંગો નહિ તોય અમે સઘળુંયે દઈશું
એ વાયદા કે ઠાલી બે વાતો?
એટલું તો સમજો કે ખુદને ભૂલીને
અમે ભવનો આ બાંધ્યો છે નાતો!
ઝૂરીઝૂરીને અમે કેટલુંક ઝુરશું
                    આ મુઠ્ઠીભર લાગણીની રટમાં ?

17/5/10

' હું '

હું ખીલું છું
હું ખરું છું
હું સહજમાં વિસ્તરું છું

હું ધરા ને આભ હું યે
હું જ જલ થલમાં ફરું છું

હું જ વાદળ હું જ વાયુ
હું જ પાણી થઇ ઝરું છું

હું જ બ્રહ્મા હું જ વિષ્ણુ
હું મહેશ્વર રૂબરૂ છું

હું સમય ને હું જ માયા
હું જ મુજને વશ કરું છું

હું જ છું જીવ, હું જ આત્મા
હું જ જન્મું -કે મરું છું?

9/5/10

અકારણ?

આ વરસે આંખ અકારણ
હો ચૈતર વૈશાખ હૃદયમાં
ને પાંપણ પર શ્રાવણ...

વાવી દીધો સ્હેજ વાતમાં
અમથો એક ઝુરાપો
ભાંગ્યુંતૂટ્યું એક હલેસું
માન્યો એ ય તરાપો

મનગમતા પગરવની ભ્રમણા
લઇ શણગાર્યું આંગણ....


વનપંખીના ટહુકા જેવું
ગીત કંઠમાં રોપ્યું
ના ઓગળવાનું મનનું
ફરમાન અજાણે લોપ્યું

ડમરી થઇ જ્યાં ધૂળ ઉડે ત્યાં
ઊજવું ક્યાંથી ફાગણ?

7/5/10

'શ્યામ લખું છું'

હવે હવાની ઉપર તારું નામ લખું છું
લાગણીઓનું આખેઆખું ગામ લખું છું

અઢળક કિસ્સા લખું તને નિષ્કારણ, પહેલા
અંતે એક જ નાનું સરખું કામ લખું છું

સુગંધભીનું આભ અહો શ્વાસોમાં ઊતરે
કશા અનાહતનો હું ભરચક જામ લખું છું

મુઠ્ઠીભર અક્ષરનો નાનો પત્ર નથી આ
કંઈ કેટલાં સ્વપ્નો ઠામે ઠામ લખું છું


ગોકુળ જેવું હૈયું લે, મેં રમતું મુક્યું
રાધા જેવી આંગળીઓથી શ્યામ લખું છું.