28/9/10

              રોજ સમયની રેત થઈને જીવતર કેવું સરતું
              જોને...જીવતર કેવું ખરતું..!

             અડખે પડખે એકલતાનું નગર શ્વસે છે
             અજવાળાના સાપ - આ  રોમેરોમ  ડસે છે
             તરસ લઇ તરફડતું
             સુક્કા પર્ણ સમું ખડખડતું
             ખાલીપાને ઘૂંટી ઘૂંટી કોણ શ્વાસમાં ભરતું?
                        જોને જીવતર કેવું સરતું!

              પાછળ છૂટ્યાં પગલાંની વણઝાર રડે છે
              આગળ કોઈ અગમ તણો અણસાર નડે છે
              ટોળાં વચ્ચે રહેતું
              મૂંગી કૈંક કથાઓ કહેતું
              વીતેલી પળનું તે જળ આ બુંદ બુંદ થઇ ઝરતું!
                           જોને જીવતર કેવું સરતું!


        

1 ટિપ્પણી:

  1. નંદિતાઃ એક રચના તરીકે ફિલસુફીની રજુઆત સરસ છે. બાકી, ચંચળતા અને ચમકારો વેરતો જીવ "ખરતા જીવતર"નું ગીત ગાય એ જરાક અજુગતું લાગ્યું!! ... મામા

    જવાબ આપોકાઢી નાખો